બોડેલી પંથકમાં બુધવારની મધરાત્રે પોણા ત્રણ વાગે વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસી પડતા ખોડીયાર માતાના મંદિર ચોકમાં એસટી ડેપો બહાર તેમજ બોડેલીના મુખ્ય બજાર, હરીફાઈ માર્કેટમાં પાણી ભરાયા હતા. જ્યારે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદ વરસતા ગરમીમાં રાહત થઈ હતી. અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
બુધવારે મોડી રાત્રે પોણા ત્રણ વાગે બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી અસહ્ય ગરમીમાં શેકાતા નગરજનોને રાહત થઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ધરતીપુત્રો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા હતા. રાત્રિના સમયે વરસેલા ધોધમાર વરસાદને પગલે બોડેલી નગરના મેઇન બજાર હરીફાઈ માર્કેટ રેલવે ગરનાળુ તેમજ એસટી ડેપો વિસ્તારમાં પાણી ભરાયા હતા. બોડેલી નગરમાં વરસાદ વરસતા ધરતીપુત્ર સહિત નગરના રહીશોમાં તેમજ વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. કારણ કે વાવણી લાયક વરસાદ વરસતા વેપાર ધંધાના દ્વાર ખુલ્યા હતા. બોડેલી નગરની આસપાસના ગામોમાં વરસાદને પગલે કોતરો તેમજ શેરીઓમાં વરસાદી પાણી વહેતા નજરે પડયા હતા. તો વિસાડી પંથકમાં તેમજ બુમડી તથા ધોળીવાવ પંથકમાં પણ ખેતરોના ચાયડામાં પાણી ભરાયેલા નજરે પડતા હતા. રાત્રિના પોણા ત્રણથી 3:30 સુધી વરસેલા ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું. બોડેલી નગરના ખોડીયાર માતાના મંદિર ચોકમાં પાણી ભરાયા હતા. જ્યારે મુખ્ય બજારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. આટલો બધો વરસાદ વરસ્યો હોવા છતાં જ્યાં વરસાદ નોંધે છે તે વિસ્તારના વરસાદ માપનાર કહે છે કે, રાતે બેથી ચારના ગાળામાં 3mm અને સવાર સુધી કુલ 21mm વરસાદ નોંધાયો છે. માપણી કરનાર કર્મચારી કે અધિકારી વરસાદ માપવામાં કોઈ ચૂક કરી હશે કે, પછી બોડેલી નગરના સેવા સદન વિસ્તારમાં વરસાદ જ નહીં પડયો હોય તે તપાસનો વિષય છે.










