સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના કણજીપાણી સહિત ત્રણ ચાર ગ્રામપંચાયતમાં બોગસ દસ્તાવેજોના આધારે હજારો લગ્ન નોંધણી કરનાર તલાટીને પોલીસ સર્વેલન્સ ટીમે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતેથી ઝડપી લીધો છે. ઝડપાયેલ તલાટીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ સ્ટેશન ખાતે એક વકીલના મકાનમાં સંતાડયા છે. જેના પગલે વકીલના ઘરમાંથી પોલીસે દસ્તાવેજો પણ કબ્જે કર્યા હતા.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની કણજપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલે તેમની ફરજ દરમ્યાન કરા, ઉઢવણ તથા રામપુરાના ઇન્ચાર્જ તલાટીકમ મંત્રી તરીકેનો ચાર્જ પણ સંભાળતો હોય તે સમય દરમ્યાન તલાટી સામે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને પોતે પચાસ લાખ કમાયા હોવાની અને પોતે રાજસ્થાનમાં જમીનો પણ લીધી હોવાનું કબૂલાત કરતો એક વિડીયોએ ભારે ચકચાર જગાવી હતી. ગુજરાતમાં બોગસ દસ્તાવેજોને આધારે લગ્ન નોંધણીનો ચકચાર જગાવનાર આ વીડિયો વાયરલ થયા બાદ તલાટી ફરાર થઇ ગયો હતો.
દરમિયાન જિલ્લા પંચાયત તંત્રએ હરકતમાં આવીને તલાટી અર્જુન મેઘવાલના સેજામાં રહેલી ગ્રામ પંચાયતોમાં તપાસ કરતા 2024ના કેટલાક લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા હતા પરંતુ વર્ષ 2025 દરમ્યાન નોંધેલા લગ્ન નોંધણીના દસ્તાવેજોનો તેમજ તલાટીનો કોઈ અતોપતો મળતો નહોતો. જેથી પંચમહાલ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા જાબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરાર તલાટી અંગેની તપાસ હાથ ધરી ગાયબ દસ્તાવેજોને કબજે કરવાની ગતિવિધિઓ હાથ ધરી હતી.સમગ્ર તપાસમાં જોડાયેલ એલસીબી, એસઓજી તથા જાંબુઘોડા પોલીસની સંયુક્ત ટીમોના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે બુધવારે સાંજે તલાટી અર્જુન મેઘવાલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે સંતાયો હોવાની બાતમી મળતાં સર્વેલન્સ ટીમોએ છાપો મારીને પકડી પાડયો હતો ઝડપાયેલા તલાટીને જાંબુઘોડા પોલીસે પુછપરછ કરીને લગ્ન નોંધણી દસ્તાવેજો સંતાડયા હતા તે એક સ્થાનિક વકીલ ચિરાગ રાઠોડના મકાનમાં તપાસ કરતાં પોલીસને લગ્ન નોંધણીના દસ્તાવેજો પણ મળી આવતા લગ્ન નોંધણી દસ્તાવેજો કબજે કર્યા હતા. જાંબુઘોડા પોલસે કણજી પાણી ગામના તલાટી અર્જુન મેઘવાલને કોર્ટમા રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.










