બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની માસૂમ બાળકી ભવ્યાને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. દીપડો પકડાતા મોટા વાજપુર સહિત વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વનવિભાગની ટીમે રાત્રિના અંદાજે દોઢ વાગ્યે ઘટના સ્થળ નજીક પાંજરું ગોઠવ્યું હતું. ત્યારબાદ દૂર રહી સતત વૉચ રાખી હતી. ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડો પાંજરે પુરાઈ જતાં વનવિભાગને મોટી સફળતા મળી હતી. દીપડો પકડાયાની જાણ થતાં મોટા વાજપુર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઊમટયાં હતા. ગ્રામજનોએ બાળકીનો ભોગ લેનારા દીપડાને પાંજરામાં પુરાયેલો નિહાળ્યો હતો. બાદમાં વનવિભાગની ટીમે દીપડાને વધુ કાર્યવાહી માટે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડયો હતો. બીજી તરફ દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમ ભવ્યાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સમગ્ર ઘટનાને પગલે મોટા વાજપુરમાં શોકની લાગણી ફેલાઈ હતી.