મહીસાગર જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવાના આશય સાથે આજે નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટાએ કલેક્ટર કચેરીની તમામ શાખાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કચેરીના વિવિધ વિભાગોમાં ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરે સ્ટાફ્ને પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા, જૂના અને વર્તમાન રેકોર્ડનું યોગ્ય વર્ગીકરણ કરવા તેમજ વહીવટી શિસ્ત જાળવવા અંગે સૂચનાઓ આપી હતી. સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને તેમની રજૂઆતો તેમજ અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે કર્મચારીઓને સંવેદનશીલ અભિગમ અપનાવવા તાકીદ કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી મહીસાગર તેમજ તેના તાબા હેઠળની તમામ પ્રાંત કચેરીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી અને મામલતદાર કચેરીમાં ફ્રજ બજાવતા કર્મચારીઓ માટે દિશા-નિર્દેશો જારી કરાયા છે. તમામ કર્મચારીઓએ સરકાર દ્વારા નિયત કરાયેલા સમય મુજબ જ કચેરીમાં હાજર રહેવાનું રહેશે. કચેરીમાં પ્રવેશતી વખતે જ હાજરી પત્રકમાં ફ્રજિયાતપણે સમય દર્શાવી ટૂંકી સહી કરવાની રહેશે, જેથી સમયપાલનની ચોકસાઈ જળવાઈ રહે. વધુમાં, વહીવટી શિસ્તના ભાગરૂપે દરેક કર્મચારીએ કચેરી સમય દરમિયાન સરકારી કામકાજ અર્થે બહાર જવાનું થાય તો તેની નોંધ અવર-જવર રજિસ્ટરમાં ફ્રજિયાતપણે કરવાની રહેશે. નિવાસી અધિક કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર જનતાની સેવા માટે છે, તેથી અરજદારોની સમસ્યાઓને પ્રાધાન્ય આપી તેને ઝડપથી ઉકેલવી એ દરેક કર્મચારીની નૈતિક જવાબદારી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો