બોડેલીમાં શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે બોડેલી નગરનો અડધાથી વધુ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ભારે વરસાદના કારણે દિવાન ફ્ળિયા અને રજાનગર વિસ્તારમાં પાણીનું સ્તર ઝડપથી વધી જતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. અનેક લોકો ઘરોમાં જ ફ્સાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ, SDM, મામલતદાર, બોડેલી નગરપાલિકાના અધિકારીઓ તથા સ્થાનિક વહીવટી તંત્રનો કાફ્લો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. NDRFની ટીમે દિવાન ફ્ળિયા વિસ્તારમાં પાણીમાં ફ્સાયેલા કુલ 27 લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડયા હતા. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અન્ય પરિવારોને પણ સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલ પણ બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રખાઇ છે.
