આખરે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે મેઘરાજાની પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા પંથકમાં ગઈકાલે રાત્રે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. માત્ર એક કલાકના સમયગાળામાં જ દોઢ ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
જાંબુઘોડા પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બુધવારની મધરાત્રે 2:45 કલાકે જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. માત્ર એક કલાકમાં દોઢ ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતાં ગરમીમાં રાહત મળી હતી. જાંબુઘોડાને પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, તે ગતરાત્રે મેઘરાજાએ સાબિત કરી બતાવ્યું છે, ચોમાસાના પ્રારંભે જ બે ઈંચ જેટલો વરસાદ થતાં હવે ધરતીપુત્રો આવનાર દિવસમાં ખેતરોમાં વાવણીની શરૂઆત કરશે. જાંબુઘોડા પંથક કરતા પણ વધુ વરસાદ ઝ.બાણ વિસ્તારમાં પડયો હતો. ઝબાણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા કોતરોના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. જેના પગલે રાત્રિના સમયે એકાદ કલાક સુધી હાલોલ - બોડેલી નેશનલ હાઇવે ઉપર વાહનવ્યવહાર પર અસર થઈ હતી. ઝબાણ ગામની આજુબાજુથી પસાર થતા નદી-નાળા અને કોતરો પ્રથમ વરસાદમાં જ બે કાંઠે વહેતા થઈ ગયા હતાં. આજે બીજા દિવસે પણ બપોરના બે વાગ્યાના અરસામાં ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.










