શહેરા નગર અને તાલુકા પંથકમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં પરંપરાગત રીતે નીકળેલા ભવ્ય જુલુસ દરમિયાન 'યા હુસેન... યા હુસેન...' ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
શહેરા નગરમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા આ વર્ષે 10 થી વધુ નાના-મોટા આકર્ષક અને કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. ગુરુવારની રાત્રીએ તમામ તાજિયાઓને પરંપરાગત રીતે નગરના મુખ્ય હુસેની ચોક ખાતે લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કોમી એકતાના માહોલ વચ્ચે તાજિયાઓની સ્થાપના કરવામાં આવી હતી. શુક્રવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કર્યા બાદ હુસેની ચોક ખાતેથી તાજિયાઓનું એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.










