પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રાંધણ ગેસના બોટલો પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વેજલપુર ગામના પીપળી ફળિયા વિસ્તારમાં બાતમીના આધારે પુરવઠા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એક રહેણાંક મકાનમાંથી જુદી-જુદી કંપનીના કુલ 12 નંગ ગેરકાયદેસર LPG ગેસના બોટલ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસ
પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કાલોલના પુરવઠા મામલતદારને સાથે રાખીને પીપળી ફળિયામાં રહેતા ખેરુનિશા ટપના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરના પરિસરમાંથી વ્યાપારી અને ઘરેલુ વપરાશના હોઈ શકે તેવા ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે કોઈ પણ માન્ય આધાર-પુરાવા કે લાયસન્સ રજૂ ન કરી શકાતા તંત્ર દ્વારા તમામ 12 નંગ ગેસ બોટલ કબજે લેવામાં આવ્યા હતા.
