હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે આજે ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા દોઢ લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડયા હતા. તાજપુરા નેજોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું માનવમહેરામણ ઉભરાયું હોય તેમ જણાતું હતું. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ બાપુ કી જય ના ભારે જયઘોષ સંભળાતા હતા.

નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ. પૂ. નારાયણ બાપુના અનુયાયીઓનો બહોળો વર્ગ છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશના અનુયાયીઓ સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. પરપ્રાંતીય ભક્તો ગુરુપૂર્ણિમાની આગલી રાતથી જ તાજપુરા તરફ્ આવવા માંડયા હતા. માર્ગની ચારે તરફ્ નારાયણ બાપુ કી જય ના ગગન ભેદી નારાઓ સંભળાતા હતા. વરસાદે ગુરુપૂર્ણિમાના રોજ વિરામ લેતા ભક્તો એ મન મૂકી હર્ષ ઉલ્લાસ સાથે ગુરુપૂર્ણિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂ. બાપુની પાદુકાનું પૂજન કરી અભિષેક કરાયો હતો. ત્યારબાદ પૂ.બાપુજીના છબીજીની પાલખી યાત્રા મંદિર પરિસર ખાતે નીકળી હતી. જેમાં ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. ત્યારબાદ ભક્તોએ બ્રહ્મલીન પૂ.બાપુજીની સમાધિએ શિશ ઝુકાવી ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદનો લાખોની સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો. આજે પોલીસ દ્વારા કુલ 650 પોલીસ જવાનોનો કાફલો ખડકી દીધો હતો.