છોટાઉદેપુર જિલ્લામાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત એક લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂા.20 કરોડથી વધુની સહાય સીધી જમા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતે રાષ્ટ્રીયકક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. જેના ભાગરૂપે બોડેલી એ.પી.એમ.સી. ખાતે છોટાઉદેપુર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે અને જિલ્લાકક્ષાએ એક સહિત સમગ્ર જિલ્લામાં કુલ 65 સ્થળોએ પી.એમ. કિસાન ઉત્સવના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ તમામ સ્થળોએ ઉપસ્થિત અન્નદાતાઓ અને ગ્રામજનોએ બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે યોજાયેલ મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાન મોદીએ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા પેટે ડાયરેક્ટ બેનિફ્ટિ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફ્તે દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ.18,680 કરોડથી વધુની સહાય જમા કરાવી હતી. જ્યારે ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાયનો લાભ મળ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને રૂા.20 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. બોડેલી ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તથા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉબ્દોધન કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આપ્રસંગે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, તાલુકા પંચાયત પ્રમુખ, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
