જાંબુઘોડા તાલુકા પંચાયતના પટાંગણમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈનીવિશેષ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી આયોજિત પીએમ કિસાન ઉત્સવ દિવસના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે જાંબુઘોડા ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ ધરતીપુત્રો સાથે સંવાદ સાધ્યો હતો. ખેડૂતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી લાભાર્થી ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા અને લોકેન્દ્રસિંહ રાણા, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂ.18,690 કરોડથી વધુની સહાય સીધી જમા કરાઈ છે. આ યોજના થકી દેશના ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો