વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે, મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.
આ જન કલ્યાણ શિબિરમાં છેલ્લા 12 વર્ષમાં દેશમાં ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂત હિત, માળખાગત સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કાર્યો અને વિકાસગાથાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત ગ્રામજનોને અપાઈ હતી. આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, અને સમાજ કલ્યાણ સહિતના વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન સ્ટોલ્સ ઊભા કરાયા હતા. સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોને આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પીએમ સ્વનિધિ અને ઉજ્જવલા યોજના જેવી વિવિધ ફ્લેગશિપ યોજનાઓ વિશે માર્ગદર્શન આપી, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો એનાયત કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો તેમજ પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. શિબિરમાં સ્થાનિક પદાધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.










