14

બોડેલી-હાલોલ નેશનલ હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે લગાવેલી સુરક્ષા રેલિંગ જ હવે અકસ્માતનું જોખમ બની હોવાની ચર્ચાએ જોર પકડયું છે. હાઈવે પર અનેક સ્થળે રોડની ધારને અડીને લગાવેલ સુરક્ષા રેલિંગને કારણે માર્ગ સાંકડો બન્યો હોવાની વાહનચાલકો ફરિયાદ કરી રહ્યાં છે. બે મોટા વાહનો સામસામે આવે ત્યારે બાજુમાંથી પસાર થતી મોટરસાઈકલ સહિતના નાના વાહનો માટે જગ્યા રહેતી નથી. જેના કારણે અકસ્માતનું જોખમ વધતું હોય છે.

બોડેલી-હાલોલ નેશનલ હાઈવે પર જબાન, નારૂકોટ, નાથપુરી, ખાખરીયા, ભાટ, શિવરાજપુર, પાલનપુર, કંસારાવાવ તેમજ ધનકુવા બાયપાસથી લઈને ટીંબી સુધીના માર્ગ પર હાઈવે ઓથોરિટી દ્વારા સુરક્ષા રેલિંગ લગાવાઇ છે. સામાન્ય રીતે અકસ્માત નિવારવા અને વાહનોને માર્ગ પરથી નીચે ઊતરી જતાં અટકાવવા માટે લગાવાતી આ રેલિંગ યોગ્ય અંતરે અને નિયમો મુજબ લગાવાય તો વાહનચાલકોની સુરક્ષામાં વધારો થઈ શકે છે. પરંતુ આ માર્ગ પર કેટલીક જગ્યાએ રેલિંગ રોડની એકદમ નજીક હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, હાઈવે પર બે મોટા વાહનો સામસામે આવી જાય ત્યારે માર્ગ પર બાજુમાંથી પસાર થવા માટે પૂરતી જગ્યા રહેતી નથી. આ સ્થિતિમાં જો મોટરસાઈકલ કે અન્ય નાનું વાહન વચ્ચે આવી જાય તો અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોવાની અને તેમાં કેટલાક લોકો જીવ ગુમાવતા હોવાની સાથે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોવાની ચિંતા પણ વ્યક્ત કરાઇ રહી છે. હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા માટે લગાવેલી રેલિંગ યોગ્ય અંતરે અને નિયમો મુજબ લગાવાઇ છે કે, નહીં તેની તટસ્થ તપાસ થવી જરૂરી છે. જ્યાં રેલિંગ રોડને અડીને લગાવાઇ છે. ત્યાં માર્ગની પહોળાઈ અને વાહનોની અવરજવરનું મૂલ્યાંકન કરી સુધારા કરવા માગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો