ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહ-2026 અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ગામે આદિવાસી સમાજના અગ્રણી ક્રાંતિકારી અને અંગ્રેજ શાસન સામે બાથ ભીડનાર વીર સ્વાતંર્ત્ય સેનાની રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાની સાફ્-સફાઈ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના જીવનચરિત્ર અને દેશ માટેના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરી ઉપસ્થિત લોકોને તેમની શૌર્યગાથાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે જાંબુઘોડાના વડેક ખાતે આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને અંગ્રેજ શાસન સામે લડત આપનાર વીર સ્વાતંર્ત્ય સેનાની સંત શિરોમણી જોરીયા પરમેશ્વરની પ્રતિમાની પણ સાફ્-સફાઈ કરી તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહાન ક્રાંતિવીરોના જીવનસંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, દાંડિયાપુરા અને વડેકની આ ઐતિહાસિક ધરતી પરના સ્વાતંર્ત્ય સેનાનીઓનું યોગદાન અવિસ્મરણીય છે. વર્ષ 2012માં જાંબુઘોડા ખાતે યોજાયેલી જાહેરસભામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારના સ્વાતંર્ત્ય સેનાનીઓને યાદ કર્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં કકરોલિયા ખાતે યોજાયેલી જાહેરસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંત શિરોમણી જોરીયા પરમેશ્વર અને રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
