સંસ્કૃત ભાષાના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે આજે જાંબુઘોડાના સર્કિટ હાઉસ ખાતેથી તાલુકા કક્ષાની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. વિવિધ બેનરો, સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ, પરેડ, બેન્ડ અને લેઝીમના પ્રદર્શન સાથે યાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રણછોડજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા, નારુકોટની વિદ્યાર્થીનીઓએ રેલી દરમિયાન પરેડ, બેન્ડ અને લેઝીમનું સુંદર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક વેશભૂષા અને રજૂઆતથી સમગ્ર યાત્રામાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. સૈંકડો નગરજનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. યાત્રામાં જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિત ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો, સરપંચો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. દરમિયાન ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર તાલુકાની બે શાળાના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ફ્યુચર લિંક શાળાના પ્રશાંતકુમાર દિનેશભાઈ રાઠવા, જયદીપભાઈ પર્વતભાઈ પારગી અને સ્મિતકુમાર નરેન્દ્રભાઈ તરબદા તેમજ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, નારુકોટની ધનશ્રીબેન એન. રાઠવાએ સંસ્કૃત વિષયમાં શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
