છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ગણાતા કવાંટ તાલુકામાં શિક્ષણના સુદ્રઢીકરણ અને છેવાડાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા દ્વારા કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની માણુંકલા ફ્ળિયા પ્રાથમિક શાળા અને હાફેશ્વર ગામની આમલાપાણી પ્રા. શાળા ખાતે આધુનિક સુવિધાથી સજ્જ સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું હતું.
જે પ્રસંગે શિક્ષણમંત્રી રિવાબાએ જણાવ્યું હતું કે, સરકાર દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કોઈ પણ બાળક માત્ર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ છે. દરેક બાળક સુધી ભૌતિક સુવિધા અને સ્માર્ટ ટેકનોલોજીયુક્ત શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે. આ સ્માર્ટ કન્ટેનર શાળા અંતરિયાળ ક્ષેત્રોમાં શિક્ષણનો નવો ઉજાસ પાથરશે. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યાં હતા.
