શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારની ગ્રીન પાર્ક અને શાન્તા કુંજ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર સાપ નીકળવાની ઘટનાઓ સામે આવતાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગ્રીન પાર્ક સોસાયટીમાં એક મકાનની પાછળ સાપ જોવા મળતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા, જે અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં રાઉન્ડ ફેરેસ્ટર સી.બી. બારિયા, શક્તિભાઈ માલીવાડ અને ભાવેશ રાવલે ઘટનાસ્થળે પહોંચી ભારે જહમત બાદ ઘરની પાછળ છુપાયેલા અંદાજે 6 ફૂટ જેટલા લાંબા ધામણ સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપને સહી-સલામત રીતે પકડીને તેના કુદરતી વાતાવરણ જંગલ વિસ્તારમાં મુક્ત કરાતાં સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.