છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોએ પોતપોતાના ખેતરોમાં વાવેતરની શરૂઆત કરી હતી. જેમાં જિલ્લામાં સૌથી વધુ 96,487 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. ત્યારબાદ 20, 922 હેક્ટરમાં સોયાબીન અને 16,248 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરાયું છે. જ્યારે 11,898 હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે. 10430માં તુવેરનું વાવેતર કરાયું છે. આ સિવાય શાકભાજી, અડદ મગ, મગફ્ળી દિવેલા ઘાસચારો, જુવાર વગેરેનું પણ વાવેતર કરાયું છે.
જિલ્લામાં સૌથી વધુ વાવેતર છોટાઉદેપુર તાલુકામાં 31,265 હેક્ટર બીજા નંબરે કવાટ તાલુકામાં 31,169 હેક્ટર અને ત્રીજા નંબરે બોડેલી તાલુકામાં 30086 હેક્ટરમાં વાવેતર કરાયું છે. જ્યારે નસવાડીમાં 29,076 હેક્ટરમાં તથા સંખેડામાં 24,661 હેક્ટરમાં જ્યારે પાવીજેતપુરમાં 17219 ટ્રેક્ટરમાં વાવેતર થયેલ છે. સૌથી ઓછું વાવેતર 6583 હેક્ટરમાં કદવાલ તાલુકામાં થયેલ છે. ખેતીલાયક વરસાદ થતાં જિલ્લાના ધરતીપુત્રો ડાંગર સહિતના ધાન્યોની વાવણી કરવામાં જોતરાયા છે. મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરી છે. વાવણી બાદ પણ ધરતીપુત્રો પોતાના ખેતરોમાં ખાતર પાણી તેમજ દવાના કામમાં જોતરાયેલા રહે છે.
