પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સ્થિત મહેલાણ ગામના સીમલેટ બેટ ખાતે ચોમાસા દરમિયાન સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી શોધ-બચાવ અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરી અંગે સંયુક્ત મોકડ્રિલ યોજાઈ હતી.


આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે આંતર-સંકલન સુદ્રઢ બનાવવાનો અને કટોકટીના સમયે ત્વરિત પ્રતિભાવ આપી કિંમતી માનવ જિંદગીઓ બચાવવાનો છે. આ કવાયત અંતર્ગત એસ.ડી.આર.એફ્. ગ્રુપ-05 ની ટીમ કંપનીના કમાન્ડન્ટના સંયુક્ત સહયોગથી સમગ્ર કામગીરીનું સંચાલન કરાયું હતું. સવારે સીમલેટ બેટ ખાતે સૌપ્રથમ ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ અને બચાવ ટીમોએ પૂરની સ્થિતિમાં કઈ રીતે વ્યૂહાત્મક રીતે આગળ વધવું તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ બપોરે વાસ્તવિક પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરીને પ્રત્યક્ષ મોકડ્રિલ શરૂ કરાઈ હતી. SDRFની નિષ્ણાત ટીમ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને આધુનિક બોટ અને લાઈફ્ જેકેટની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની લાઈવ કામગીરીનું નિદર્શન કરાયું હતું. સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં રહીને પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સર્વિસ તેમજ સ્થાનિક કુશળ તરવૈયાઓની બચાવ ટીમોએ આ કવાયતમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પાણીમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: