ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે પંચમહાલ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે શહેરાની મુલાકાત લીધી હતી.
આ સંગઠનાત્મક મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને સ્થાનિક સંગઠનને વેગ આપ્યો હતો. પોતાના પ્રવાસની શરૂઆતમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરાના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન-આરતી કરી ધન્યતા અનુભવી હતી અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી, શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે આવેલી જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કૉલેજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય જેઠાભાઇ આહીર, મધ્યઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
