નવીન બોડેલી નગર પાલિકામાં નાગરિકોને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પીવાના પાણી અને ભૂગર્ભ ગટર યોજનાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરાઇ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના GUDM દ્વારા આ પ્રોજેક્ટ માટે PDCOR કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરાઇ છે. જેના દ્વારા સમગ્ર નગર પાલિકા વિસ્તારનો વિગતવાર સર્વે પૂર્ણ કરાયો છે. ભવિષ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના વિકાસ માટે યોજના તૈયાર કરાશે.
બોડેલીને તાજેતરમાં નગર પાલિકાનો દરજ્જો મળ્યાં બાદ શહેરના વિકાસ માટે વિવિધ યોજના પર કામ શરુ કરાયું છે. તે અંતર્ગત પીવાના પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થાને પ્રાથમિકતા અપાઇ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ PDCOR કન્સલ્ટન્ટ એજન્સીએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. સર્વે દરમિયાન શહેરમાં હાલ ઉપલબ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા, ગટર લાઈનો, પાણીની ટાંકી, સંપ તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરાઇ હતી. સર્વેના પ્રાથમિક તારણો મુજબ, બોડેલી નગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી સુવ્યવસ્થિત ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપલબ્ધ નથી. અનેક વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી પડે છે. હાલ બોડેલીમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)પણ ઉપલબ્ધ નથી. પરિણામે ગંદા પાણીના વૈજ્ઞાનિક નિકાલની સુવિધા મર્યાદિત છે.










