કાલોલ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી જામેલા ગંદકીના ઢગ મામલે પ્રકાશિત થયેલા અહેવાલ બાદ આખરે પાલિકા તંત્ર દ્વારા સાફ્ કરવામાં આવ્યો છે.

બે દિવસ પહેલા અહેવાલમાં જણાવાયું હતું કે, પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની નજીકમાં જ ખુલ્લી જગ્યામાં નોનવેજની દુકાન ધરાવતા કેટલાક ઈસમો દ્વારા કતલ કરેલા મૃત જાનવરોના અંગો, હાડકાં અને ગંધ મારતો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને જાહેરમાં ફેંકવામાં આવે છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પરિણામે રખડતાં કૂતરા અને અન્ય જાનવરો આ કચરાને ઢસડીને મુખ્ય માર્ગ પર ફેલાવી દેતા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી જવા સાથે રોગચાળો ફેલાવાનું જોખમ વધી ગયું હતું.

આ અહેવાલ સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થયા બાદ તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે બુધવારે બપોરે પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગંદકીના ઢગલા દૂર કરી સંપૂર્ણ સફાઈ કામગીરી હાથ ધરી સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરીને આવકારી છે. ભવિષ્યમાં આ સ્થળે ગંદકી ના થાય તે માટે, અહીં સીસીટીવી કેમેરા લગાવવા અને જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો