બોડેલીના વાલોઠી, બામરોલી,મુઢીયારી-શિવજીપુરા પંથકમાંથી નીકળી ત્રણ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી મેરીયા નદીમાં પાણી સૂકાતાં આગામી ઉનાળામાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. ચોમાસાની સિઝન પૂર્ણ થયાને હજુ માંડ એક મહિનો થયો છે. ત્યાં જ બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી મુઢીયારી-શિવજીપુરા પંથકમાંથી નીકળી બે જિલ્લાના 3 તાલુકામાંથી પસાર થતી મેરીયા નદીમાં પાણી સૂકાઈ જતાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે મે-જૂન મહિનામાં ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન નદી-નાળાં અને કોતરોમાં પાણી સૂકાતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ નદીના પાણી તળિયે પહોંચતાં આસપાસના બે ડઝનથી વધુ ગામોના ગ્રામજનો સહિત ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. ગ્રામજનોમાં એક જ ચિંતા સાથે ચર્ચા છે કે, શિયાળાની શરૂઆતમાં જો આ હાલ હોય તો આગાણી ઉનાળામાં પાણી વિના કેવી હાલત થશે ?
