શહેરા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદણગઢ સ્થિત આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર પરિસરમાંથી રાજસ્થાનના પ્રખ્યાત તીર્થધામ રામદેવરા ખાતે બાબા રામદેવજીના દર્શનાર્થે જવા માટે પગપાળા સંઘ રવાના થયો હતો. જે પૂર્વે રામદેવરા મંદિરે ચઢાવવા માટે લઈ જવાતી 111 ફૂટ લાંબી વિશાળ ધજાનું પૂજન-અર્ચન કરાયું હતું.

આ ધાર્મિક પ્રસંગે ભગુભાઈ ભરવાડ, લુણાવાડા તાલુકાના નમનાર ગામના તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારીયા તેમજ મહીસાગર જિલ્લાના ભાજપ અગ્રણી ભૂમિરાજસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રાદ્ધાળુઓએ બાબા રામદેવ પીરની આરતી ઉતારી હતી. સંજયભાઈ બારીયા છેલ્લા 16 વર્ષથી સતત આ પગપાળા સંઘનું આયોજન કરે છે. આ વર્ષે 17મા વર્ષે પણ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતાં. ચાંદણગઢથી રામદેવરા સુધીનું આશરે 1000 કિ.મી.નું અંતર આ સંઘ લગભગ 20 થી 25 દિવસમાં પૂર્ણ કરશે. રામદેવરા ખાતે ભક્તો બાબા રામદેવજીના દર્શન કરીને મંદિરમાં શિખરે 111 ફૂટની ધ્વજારોહણ કરશે.