જનજાતિય સંસ્કૃતિના રંગે ઉજવણીની ભવ્ય તૈયારીઓ

શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા અને આદિવાસી લોકનૃત્ય-લોક ડાયરાનું આયોજન કરાયું છે. શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને લોક ડાયરા જેવા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે આયોજનમાં કોઈ જ કમી ન રહી જાય તે માટે મામલતદારધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી જય શુકલ, નાયબ મામલતદાર આશિષ ચૌધરી તેમજ આર.એન્ડ.બી. સ્ટેટના મદદનીશ ઇજનેર પ્રણય રાણા સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓ એ કેશવ ગ્રાઉન્ડ ખાતે રૂબરૂ પહોંચીને સ્થળ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી કામગીરીનું સઘન નિરીક્ષણ કરીને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.