અંબાજીથી લઈ ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ નર્મદા સહિતના જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી પરિવારો માટે આશીર્વાદ રૂપ ગણાતા મહુડાના વૃક્ષ ઉપર મહુડાના ફૂલ લાગવાના શરૂ થતા આદિવાસી પરિવારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મહુડાનું વૃક્ષ આદિવાસી પરિવારો માટે કમાઉ દીકરો ગણાય છે, જે તેમને પૂરક રોજીરોટી આપે છે.


મહુડાના વૃક્ષ આદિવાસી પરિવારોને પૂરક રોજીરોટી આપતું હોવાથી આદિવાસી પરિવારો માટે તે કમાઉ દીકરા તરીકે ઓળખાય છે. મહુડાના વૃક્ષ ઉપર હોળીના તહેવાર બાદ ફુલ લાગવાની શરૂઆત થાય છે. હાલ મહુડાના વૃક્ષ ઉપરથી ફુલ પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. મહુડાનું વૃક્ષ ફુલ સ્વરૂપે મહુડો અને ફળ સ્વરૂપે ડોળી આપે છે. આ મહુડા ફૂલ ઔષધી બનાવવામાં પણ વપરાય છે, સ્થાનિક આદિવાસી પરિવારો આ ફુલને શેકીને પણ ખાય છે. ફળ સ્વરૂપે આવતી ડોળીમાંથી ખાદ્ય તેલ બને છે, તેમજ આ તેલનો ઉપયોગ માલિશ કરવામાં તેમજ સાબુ બનાવવામાં પણ થાય છે. મહુડાના ફુલ પડવાની શરૂઆત થતાં આદિવાસી પરિવારોના સભ્યો ખાસ કરીને મહિલાઓ મહુડાના ફુલ વીણવાનું શરૂ કરી દીધુ છે. જે ભેગા કર્યા બાદ તેને બજારમાં વેચીને કમાણી કરાતી હોય છે. ગત વર્ષે બજારમાં મહુડા ફૂલનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા.5 હજાર હતો, એટલે કે એક મણના રૂા.1 હજાર હતાં. આ વર્ષે હજુ સુધી ભાવ નક્કી થયો નથી. જિલ્લાના પાનવડ, ક્વાંટ, ઘોઘાદેવ, રંગપુર, સઢલી સહિત મધ્યપ્રદેશના ગામોમાં સૌથી વધુ મહુડાના ફૂલની આવક થઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: