છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જેમાં બોડેલીના ધોળીવાવ તેમજ બુમડી પંથકના ગામોમાં રાત્રિના બે વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગ્રામીણ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા. અને તે પાણી રોડ પર પણ વહેતા નજરે પડયા હતા. 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાવીજેતપુર તાલુકામાં 45 મિ.મી. નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 20 મિ.મી. અને બોડેલીમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી દ્વારા તા. 10 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ વરસાદની આંકડાકીય માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 84 મિ.મી. વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી જિલ્લાના 7 તાલુકામાં મળીને કુલ 3411 મિ.મી. વરસાદ નોંધાયો છે. વરસાદના નવા રાઉન્ડથી ખાસ કરીને ખેતી પર આધારિત ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળે છે. વરસાદના અભાવે ચિંતિત બનેલા ખેડૂતો માટે છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ ખેતી માટે આશાસ્પદ બન્યો છે.