કાલોલ પોલીસે ગૌ હત્યા અને ગૌમાંસ વેચાણ કેસમાં કાર્યવાહી કરી છે.

કાલોલ શહેરના કસ્બા વિસ્તારના રહેણાંક મકાનમાં ગેરકાયદે કતલખાનું ચલાવી 13 ગૌવંશને ગોંધી રાખી તેમજ 4 ગૌવંશોને નિર્દયતાથી કતલ કરી ગૌમાંસના ખરીદ-વેચાણમાં ઝડપાયેલ 4 મુખ્ય આરોપીઓને પોલીસે આજે કાલોલ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી ગોધરા સબજેલમાં ધકેલી દીધા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસે ગઈકાલે વહેલી સવારે બાતમીના આધારે શહેરના કસ્બા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરના પાછળ સડક ફ્ળિયાનો વાડો કહેવાતાં વિસ્તારના જુલેખા ઉફે જુલી હબીબ બેલિમ તેમજ ઝાહિર હબીબ બેલિમ નામના ભાઈ - બહેનના મકાનમાં છાપો મારીને નિર્દયતાથી કતલ કરેલા ગૌવંશો અને ગૌમાંસનો જથ્થો તેમજ અવશેષો મળી આવ્યા હતા, જ્યારે મકાનના પાછલા ભાગની અન્ય ઓરડીમાં દોરડાથી બાંધી રાખેલ 13 ગૌવંશોને બચાવી લેવાયા હતાં. પોલીસે 13 જીવીત ગૌવંશ, 4 કતલ કરાયેલ ગૌવંશના અવશેષો અને ઘટના સ્થળેથી 685 કિલો ગૌમાંસના જથ્થા તેમજ હથિયારો સહિત કુલ રૂ. 5, 93,352નો મુદામાલ કબજે કરી ગૌવંશની કતલ તેમજ ગૌમાંસના ખરીદ-વેચાણ માટે આવેલા 18 મહિલા અને 4 પુરુષ સહિત કુલ 22 આરોપીઓની અટકાયત કરી હતી, તેમજ 6 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા નિવારણ તેમજ પશુ સંરક્ષણ ધારાઓ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આજે 4 મુખ્ય પુરુષ આરોપીઓને કાલોલ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચારેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હાલ તમામ આરોપીઓને ગોધરા સબજેલ ખાતે ધકેલી દેવાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો