હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા નારૂકોટ ગામે આજે શાળાએથી ચાલતા ઘરે જઇ રહેલી ધો.12 અને ધો.11ની બે વિદ્યાર્થિનીઓને અજાણ્યા વાહને અડફેટે લેતા બે પૈકી એક વિદ્યાર્થિનીનું મોત થયુ છે જ્યારે બીજી વિદ્યાર્થિનીને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત બાદ વાહન ચાલક ભાગી ગયો છે.


નારુકોટ ગામે શાળાએથી ઘરે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારતા ધો. 12 માં અભ્યાસ કરતી અર્પિતા અલ્પેશભાઈ બારીયાનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે દેવિકાબેન ઈશ્વરભાઈ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી. બનાવને પગલે પરિવાર અને સગા વહાલા સહિત નારૂકોટ ગામ હિબકે ચડયું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર નારુકોટની ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી મૂળ હાલોલ તાલુકાના રણભેટ ગામની અને હાલ નારૂકોટ ગામમાં મામાના ઘરે રહેતી અર્પિતા અલ્પેશભાઈ બારીયા તેમજ ધોરણ 11 માં અભ્યાસ કરતી નારુકોટ ગામની દેવિકાબેન ઈશ્વરભાઈ શાળાએથી અભ્યાસ કરી પગપાળા પોતાના ઘરે આવતી હતી. વિદ્યાર્થીનીઓ જીવન વિકાસ કેન્દ્ર પાસે પહોંચી હતી ત્યારે પાછળથી યમદુત બનીને ધસી આવેલા અજાણ્યા વાહને બન્ને વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. પોલીસે અજાણ્યા વાહનની શોધ ખોળ શરૂ કરી છે.

નાથપુરી ગામ પાસે અકસ્માતમાં નારૂકોટના બે યુવકને ગંભીર ઇજા

નાથપુરી ગામ પાસે ઇકો, બાઇક અને એક્ટિવાગ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં પણ નારૂકોટ ગામના મોટરસાયકલ ચાલક સુનિલભાઈ વેચાણભાઈ બારીયા અને એકટીવા ચાલક મકનભાઈ ભીલકાભાઈ બારીયાને ઇજાઓ પહોંચી હતી. આ ત્રીપલ અકસ્માતમાં ભડકે બળેલી મોટરસાયકલની આગ સ્થાનિક યુવાનો દ્વારા ડોલે ડોલે પાણી રેડી ઓલવી હતી. એકટીવાનો પણ આગળના ભાગેથી ખુરદો વળી ગયો હતો . ઇકો કાર પણ રોંગ સાઈડ જઈ પલટી ખાઈ ગઈ હતી. ઇકો કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો ઇકો કાર ચાલક પણ ડોન બોસ્કો નારુકોટ ખાતે વિદ્યાર્થિનીઓને લેવા જઈ રહ્યો હતો

હાઇવે ઉપર સ્પીડ બ્રેકર મુકવા માગ

હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા નારુકોટ ગામે 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ માર્ગ ઉપર અવારનવાર વિદ્યાર્થીઓની અવરજવર રહે છે જેથી કન્યા કેળવણી શાળા થી લઈ ડોન બોસ્કો સુધી ના બે કિમી ના માર્ગમાં સમયાંતરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે માટે વહીવટી તંત્રને આજના બનાવ બાદ નારુકોટના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: