કાલોલ તાલુકાના સગનપુરા રામનાથ ગ્રામ પંચાયત વિસ્તારની ગોમા નદીમાંથી બેફમપણે ગેરકાયદે રેતી ખનન અને રેતી સંગ્રહ અંગેના અખબારીય અહેવાલને પગલે જાગેલા તંત્રને બુધવારે ગેરકાયદે રેતી ખનન કરેલા બે ટ્રેકટર તેમજ બસ્સો ટન જેટલો સંગ્રહ કરેલા રેતીના ઢગલા સીઝ કરવાની સફ્ળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ મામલતદાર અને સર્કલ ઓફ્સિર બન્ને જન કલ્યાણ શિબિરમાંથી પરત ફરતા સમયે રામનાથ ગ્રામ પંચાયત વિસ્તારની આકસ્મિક મુલાકાત લેતા રામનાથ ગામે સર્વે નંબર 2625 વાળી જમીનના ખેતરમાંથી ટ્રેકટર સાથે ટ્રોલીમાં આશરે 3 ટન રેતી ભરેલ મળી આવી હતી જ્યારે અન્ય એક ટેકટરમાં રેતી ભરેલ હતું પરતું ડ્રાઇવર ટ્રોલી ખાલી કરી ભાગી ગયો હતો. જે બંને ટ્રેકટરમાં ગેરકાયદેસર રેતી વહન કરતું હોવાનું જણાઇ આવ્યું હતું. તદ્ઉપરાંત આસપાસના વિસ્તારમાં બે ટ્રેકટર ટ્રોલીના બે અલગ- અલગ જગ્યા પર રેતીના ઢગલા મળી જોવા મળ્યા હતા તેમજ બે સ્થળેથી આશરે 53 ટ્રેકટર રેતી ભરીને લાવીને ગેરકાયદે સંગ્રહ ઢગલાઓ મળી આવ્યા હતા. જોકે ગેરકાયદે રેતી ખનન અને સંગ્રહ કોને કર્યો એ અંગે કોઈ નામ સામે આવ્યું નથી.










