કાલોલ શહેર અને મેદાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વહેતી ગોમા નદીના પટમાં ચાલી રહેલા રેતી ખનન સામે શુક્રવારે મામલતદાર વિભાગે તપાસ કરતાં રસ્તામાં રેતી વહન કરીને આવતા બે ટ્રેક્ટરો ઝડપી પાડીને ટ્રેકટર માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયત અને કાલોલ શહેર હદ વિસ્તાર વચ્ચેની ગોમા નદીના પટમાં પાછલા ઘણા સમયથી રેતી ખનન કરીને વેપલો કરતા ખનન માફ્યિાઓ સામે નિષ્ક્રિય મામલતદાર કચેરી શુક્રવારે હરકતમાં આવતાં પેટ્રોલિંગ પર નિકળ્યા હતા. જે દરમ્યાન એક ટ્રેક્ટર જેતપુર સીમમાંથી અને બીજું ટ્રેકટર દોલતપુરા સીમમાંથી રેતી વહન કરી જતાં ઝડપાયા હતા. મામલતદાર ટીમે રેતી વહન કરી જતા બન્ને ટ્રેક્ટરોના ચાલકો પાસે રેતી ખનન કે વહન કરવાનો કોઈ પાસ કે પરવાનો નહીં હોવાને પગલે બન્ને ટ્રેકટરોનો મુદ્દામાલ કબજે કરીને મામલતદાર કચેરી ખાતે સીઝ કરવા માટે લઈ જતાં ગુનો આચરતા ઝડપાયા હોવાનું ખુન્નસ રાખીને બન્ને ટ્રેકટરોની રેતી રસ્તામાં ઢાલવી દીધી હતી. મામલતદાર ટીમે ટ્રેકટર માલિકો મહેશભાઈ દેવાભાઈ મકવાણા અને ભરતભાઈ શનાભાઇ ભરવાડ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.










