ગોધરા તાલુકાના સાંકલી ગામમાં સરકાર દ્વારા સ્થાનિકોને ઘર આંગણે નળ મારફતે પાણી પુરૂ પાડવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જોકે આ યોજના હેઠળ ગામમાં બનાવવામાં આવી રહેલી પાણીની ટાંકીની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાથી ઉનાળામાં પાણી માટે કેટલાક ફ્ળિયાના રહીશોને રઝળપાટ કરવાની પરિસ્થિતિ નું નિર્માણ થવાની શક્યતા છે. જેથી વહેલી તકે ટાંકીની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. જોકે સંલગ્ન વિભાગના જવાબદારો થોડા દિવસોમાં ટાંકીની બાકી કામગીરી પૂર્ણ કરી દેવાનું ગાણું ગાઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક અગ્રણીઓના ગળે આ વાત ઉતરતી નથી.
ગોધરા તાલુકાનું સાંકલી ગામ અનેક ફ્ળિયામાં વહેચાયેલું અને મોટો વિસ્તાર ધરાવતું ગામ છે.અંદાજીત ચાર હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સરકાર દ્વારા પીવાનું પાણી ઘર આંગણે મળી રહે એ માટે નલ સે જલ યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ઘર ઘર સુધી પાણી પહોંચાડવા લાઇન બિછાવી નળ પણ મુકવા માં આવ્યા છે.આ ઉપરાંત પાણી સંગ્રહ માટે લાખ્ખો લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વાળો ભૂગર્ભ સમ્પ પણ બનાવવામાં આવ્યો છે.આ સમ્પ નજીક ગામના તમામ વિસ્તારમાં પ્રેશરથી પાણી પહોંચાડવા માટે ઉંચી પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે. આ ટાંકી બનાવવાની કામગીરી છેલ્લા છ માસથી ટલ્લે ચઢી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.ગ્રામજનોને સરકારની યોજના હેઠળ ઉનાળા પૂર્વે નળ મારફ્તે પાણી મળવાની આશાઓ બંધાઈ હતી જે ટાંકી ની મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈ હાલ તો દિવા સ્વપ્ન સમી બની છે.










