છેલ્લા ત્રણ દિવસ પડેલા વરસાદથી છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખંડીબારા ગામે આવેલ રામી ડેમમાં ત્રણ દિવસમાં 62%થી વધુનો વધારો નોંધાયો હતો. સુખી ડેમમાંથી બે વખત પાણી છોડાયું હતું.

જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે રામી ડેમમાં છેલ્લા 3 દિવસ દરમિયાન જળસંગ્રહમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. 3 દિવસ અગાઉ રામી ડેમનું જળસ્તર 189.90 મીટર હતું. ડેમ માત્ર 19.30 ટકા ભરાયેલો હતો. પરંતુ સતત પાણીની આવકને કારણે આજે ડેમનું જળસ્તર વધીને 195.40 મીટર થયું છે. જળસંગ્રહ સીધો 82.25 ટકા સુધી પહોંચ્યો છે. માત્ર 3 દિવસમાં જ ડેમના જળસંગ્રહમાં 62.95 ટકાનો વધારો નોંધાતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. બીજી તરફ્ જિલ્લાના મહત્વના ગણાતા પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે સુખી ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રહેતા જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. અગાઉ 77.19 ટકા રહેલો જળસંગ્રહ હવે વધીને 83.06 ટકા થયો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા બે વખત પાણી છોડાયું હતું. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે પણ અગાઉથી સૂચના અપાઇ હતી. સુખી અને રામી બંને ડેમમાં પાણીનો જથ્થો વધતા જિલ્લાના હજારો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા સાથે મકાઇ, ડાંગર, તુવેર, સોયાબીનનું વાવેતર કર્યું છે.