06

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરના મેદાન ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય અને પ્રેરણાદાયી યોગ-ધ્યાન શિબિર યોજાઈ હતી. નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ અંગે જાગૃતિ કેળવાય તેવા શુભ આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ ગુરુ શિશપાલ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર દરમિયાન શિશપાલ રાજપૂતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની વિશિષ્ટ પદ્ધતિઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્વયં વિવિધ મુદ્રાઓ અને ધ્યાન પ્રક્રિયાઓ કરાવી સૌને માનસિક એકાગ્રતાનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયાએ યોગથી થયેલા ફાયદાઓ વિશે જણાવ્યું હતું. પ્રકાશ પાડી ઉપસ્થિત સૌને નિયમિત યોગાભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ જિલ્લા અગ્રણી મયંક દેસાઈ સહિતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વિભાગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ યોગ સત્રમાં સક્રિયપણે સહભાગી થયા હતા. આ ઉપરાંત ઉક્ત યોગ ધ્યાન શિબિરમાં ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા નગરજનો, યુવાનો તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો