રાજ્યમાં હાલ ચાલી રહેલી ચૂંટણી વિભાગની SIR (Special Electoral Roll Revision) અને BLO (Booth Level Officer) ની કામગીરી દરમિયાન શિક્ષકો પર થઈ રહેલા અસહ્ય માનસિક દબાણને કારણે શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે. કોડીનારમાં એક શિક્ષક દ્વારા માનસિક દબાણના કારણે આપઘાત કરવાની ઘટના અને ખેડા જિલ્લામાં BLO ની કામગીરી કરતા અન્ય એક શિક્ષકના હાર્ટ એટેકથી થયેલા મોતમાં પણ કામગીરીના દબાણનો આક્ષેપ થતા મામલો ગરમાયો છે.આ સમગ્ર પરિસ્થિતિ અંગે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
શિક્ષક સંઘ દ્વારા ગંભીર આક્ષેપ
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર SIRની કામગીરીમાં ચૂંટણી વિભાગ દ્વારા શિક્ષકોને ભારે માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે શિક્ષકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તેમણે ખેડા જિલ્લાના બીએલઓના હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ મામલે પરિજનો દ્વારા કરવામાં આવેલા દબાણના આક્ષેપનો પણ ઉલ્લેખ કર્યો હતો.શિક્ષક સંઘનો આક્ષેપ છે કે, ફરજ દરમિયાન બે શિક્ષકોના મૃત્યુ (એક આપઘાત અને એક હાર્ટ એટેક) માટે ચૂંટણી વિભાગનું માનસિક દબાણ જવાબદાર છે.










