સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર આજે આગની એક મોટી ઘટના બની છે. નંદાવ ગામની સીમમાં આવેલી યુનિવર્સિટી પાસે ચાલુ ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


ચાલુ ટેમ્પોમાં આગ અને ડ્રાઈવરનો બચાવ

મળતી વિગતો અનુસાર, એક 'છોટા હાથી' ટેમ્પો નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એન્જિનમાં કોઈ ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ટેમ્પોમાં આગ લાગતા જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ગાડી રસ્તાની બાજુએ ઉભી રાખી દીધી હતી અને પોતે સહી-સલામત રીતે બહાર કૂદી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

હાઇવે પર ટેમ્પો ભડભડ સળગતો જોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ટેમ્પો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.

આ પણ વાંચો: Jasdan: ટ્રકના મોરામાં કાર ઘૂસી જતા કચ્ચરઘાણ નીકળ્યો, ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો


  • Follow us on: