પાટણ (સં.ન્યૂ.સ.)
પાટણ નગરપાલિકાની ચાલુ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 જેટલા નગરસેવકો સાથે સત્તા ફરી વખત પોતાની પાસે જાળવી રાખી હતી. જેમાં મહિલા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અગાઉની જેમ ચાલું બોડીમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ અને ખોટા ઠરાવ કરવાનો અને એલ. 1 ની જગ્યાએ એલ. 2 એજન્સીને વર્ક ઓર્ડર આપી મોટો આર્થિક ફાયદો કરાવવાનો ગંભીર આક્ષેપ ખુદ નગરપાલિકાના શાસક પક્ષના 14 જેટલા સભ્યોએ જ કરતાં પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પાટણ નગરપાલિકામાં અગાઉ પણ 24 માંથી 7 સભ્યોએ આ બાબતે પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તે સ્વીકારવામાં આવ્યું ન હતું. 30 જુલાઈના દિવસે મળેલી સામાન્ય સભામાં વધારાના કામોની યાદીમાં માત્ર જાણ માટે મૂકવામાં આવેલા કામમાં ખોટો ઠરાવ ક્રમાંક 106 લખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા આપેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૌથી ઓછા ભાવ દર્શાવનારL1 એજન્સીના ભાવ મંજૂર કરવાના હોય છે તેના બદલે રાજકોટની રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ નામની એજન્સીને 3.85 ટકાના ભાવે વર્ક ઓર્ડર આપવાનો નિયમ વિરુદ્ધનો ઠરાવ લખવામાં આવ્યો હતો. જેથી કરીને સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે સામાન્ય સભામાં આવો કોઈ જ નિર્ણય થયો ન હોવા છતાં આ ખોટો ઠરાવ કરીને એજન્સીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાથી નગરપાલિકાના જાહેર સ્વભંડોળના નાણાંનો દુરપયોગ થશે. જેને લઈ 14 જેટલા શાસક પક્ષના જ સભ્યોએ લેખિતમાં સખત વાંધો રજુ કરીને ખોટા ઠરાવના કારણે ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક અથવા કાયદાકીય જવાબદારી પ્રમુખની વ્યક્તિગત રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ વિરોધ પત્રની નકલ ઉત્તર ઝોન ગાંધીનગરના પ્રાદેશિક કમિશનર તેમજ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને પણ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.