પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બે મર્ડરની ઘટનાઓ બાદ હવે પોલીસની લાચારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ચાણસ્માના જીલીયા ગામ પાસે આવેલા ભાવેશભાઈના ફાર્મ હાઉસ પર 20 જેટલા માથાભારે શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ સ્થળ પર હોવા છતાં લુખ્ખાતત્વોના ડરથી ભાગી છૂટી હતી.
પાટણમાં ફાર્મ હાઉસ પર 20 લોકોનો હિંસક હુમલો
સમગ્ર મામલે પાટણ DYSP પરેશ રેણુકાનું નિવેદન સામે આવ્યું છે, જે પોલીસની કામગીરી પર મહોર મારવાને બદલે તેમને શરમશાર કરી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.
