પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક અજાણ્યા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, હાઇવે પર આવેલી ખોડિયાર હોટલ પાસે પૂરઝડપે આવી રહેલા એક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ભયાનક અકસ્માત
અકસ્માતને કારણે સમી-રાધનપુર હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને રસ્તા પરથી વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસે અજાણ્યા બાઈક ચાલકની ઓળખ વિધિ અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
