પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાન ગૌશાળામાં બોલીવુડ અભિનેતા અને માનવતાવાદી કાર્યો માટે જાણીતા સોનુ સૂદ પધાર્યા હતા. ગૌશાળાની વ્યવસ્થા અને ગૌસેવાની ભાવના જોઈને અભિનેતા અત્યંત પ્રભાવિત થયા હતા અને આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.


7 ગાયોથી 7000 સુધીની સફર

વારાહીની આ ગૌશાળાની સ્થાપના માત્ર 7 તરછોડાયેલી ગાયોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી. આજે આ ગૌશાળા એક વટવૃક્ષ બની ગઈ છે, જ્યાં ૭૦૦૦ જેટલી ગાયોનો નિભાવ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. સોનુ સૂદે ગૌશાળાના સંચાલકોની મહેનત અને ગાયો પ્રત્યેની તેમની નિષ્ઠાના મન ભરીને વખાણ કર્યા હતા.

અભિનેતાએ ગાયોને ગોળ ખવડાવી આશીર્વાદ લીધા

મુલાકાત દરમિયાન સોનુ સૂદે ગૌશાળાના પરિસરમાં પોતે ફરીને ગાયોની સ્થિતિ નિહાળી હતી. તેમણે પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો હતો અને ગૌસેવાનો આનંદ માણ્યો હતો. ગુજરાતમાં જે રીતે ગૌમાતાની સારસંભાળ અને સંવર્ધન કરવામાં આવે છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

11 લાખ રૂપિયાનું ઉદાર દાન

ગૌશાળાના સંચાલકો દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાથી પ્રેરાઈને સોનુ સૂદે પોતાના ચેરિટી ટ્રસ્ટ તરફથી ૧૧ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવી સંસ્થાઓને ટેકો આપવો એ આપણા સૌની ફરજ છે. ગૌશાળાના ટ્રસ્ટીઓએ પણ સોનુ સૂદની આ ઉદારતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: નવગ્રહ મંદિરનું ગેસ્ટ હાઉસ તોડવા સામે મહંતનો ત્રીજા માળે બેસી વિરોધ, પોલીસે કરી અટકાયત

  • Follow us on: