પાટણ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી છે. પાલિકાની ટીમ જ્યારે રખડતા પશુઓને પકડી રહી હતી, ત્યારે અચાનક 5 જેટલા ઢોર માલિકો ત્યાં ધસી આવ્યા હતા. આ માલિકોએ પાલિકાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને પકડેલા ઢોરને બળજબરીથી છોડાવી ગયા હતા. આ સમયે સ્થળ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ઢોર માલિકોની દાદાગીરી જોઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.


રખડતા ઢોર પકડવાની ઝુંબેશમાં અવરોધ

આ મામલે પાટણ નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ફરજ પરના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને સરકારી કામમાં રુકાવટ ઉભી કરવા બદલ પાંચેય ઢોર માલિકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાઈકોર્ટના આદેશ છતાં પશુ માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને હવે આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad માં ગ્રાહક બની આવેલા શખ્સોનો હાથફેરો, જમાલપુરના સુમન જ્વેલર્સમાં 9 લાખની ચોરી

  • Follow us on: