ગુજરાતના પાટણ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસે એક બહુ મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધા છે. પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત કાર્યવાહી કરીને રૂ. 398 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો શોધી કાઢ્યા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 6 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



હારીજ નાગરિક સહકારી બેંકના ખાતાઓ શંકાના દાયરામાં

પોલીસ તપાસ અનુસાર, આ સમગ્ર કૌભાંડનો દોરીસંચાર 'હારીજ નાગરિક સહકારી બેંક લિ. હારીજ' ખાતે ખોલાવવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા થતો હતો. આ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. બેંકના એકાઉન્ટ્સમાં ટૂંકા સમયમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થતાં સાયબર ક્રાઇમ પોલીસ એલર્ટ થઈ હતી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.


શું છે મ્યુલ એકાઉન્ટ?

આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી. તેઓ સામાન્ય અને ગરીબ લોકોને આર્થિક લાભ, રોકડ રકમ અથવા માસિક ફિક્સ કમિશન આપવાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ પ્રકારના ખાતાઓને સાયબર ક્રાઇમની ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. આવા કુલ 13 મ્યુલ એકાઉન્ટ્સમાંથી રૂ. 398 કરોડના ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે.


ઓનલાઈન જુગાર અને સટ્ટા સાથે કનેક્શન

પોલીસના જણાવ્યા અનુસાર, આ કરોડો રૂપિયાની હેરાફેરી પાછળ ઓનલાઈન જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવી દેશવિરોધી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સંકળાયેલી હોવાની પ્રબળ આશંકા છે. ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યાંથી સગેવગે કરી દેવાતા હતા.


પોલીસની જાહેર જનતાને અપીલ

આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પાટણ પોલીસે નાગરિકોને ચેતવણી આપતા મહત્ત્વની સૂચના આપી છે કે, કોઈપણ વ્યક્તિએ નજીવા કમિશન કે આર્થિક લાભની લાલચમાં આવીને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક કે સીમકાર્ડ જેવી અંગત અને બેંકિંગ માહિતી અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. આમ કરવું એ કાયદાકીય ગુનો બને છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.


આ પણ વાંચો - Patan : લુખ્ખા ઝહીર ખોખરાને પોલીસે ખોખરો કર્યો, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવાયું


  • Follow us on: