પાટણ જિલ્લામાં ગુનાખોરી આચરતા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કડક અભિગમ અપનાવ્યો છે. પાટણના કુખ્યાત ખંડણીખોર ભાવેશ જીલીયાના જીલીયા ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

સતત બીજા દિવસે બુલડોઝર એક્શન

ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહી બાદ, આજે વહેલી સવારથી જ તંત્રની ટિમ ફરી જીલીયા ફાર્મ પર પહોંચી હતી. ગઈકાલે મોડી રાતે ફાર્મ હાઉસના શેડ અને અન્ય બાંધકામો તોડ્યા બાદ કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ આજે સૂર્યોદયની સાથે જ ફરીથી 'દાદા'નું બુલડોઝર ગુંજવા લાગ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામોને તોડી પાડવા માટે જેસીબી અને અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાવેશ જીલીયા એક માથાભારે શખ્સ હોવાથી અને તેની સામે પાટણ જિલ્લામાં ખંડણી સહિતના 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી રહી છે.વહેલી સવારથી જ ફાર્મ હાઉસના બાકી રહેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો: Ahmedabad: નકલી નોટના આરોપી પ્રદીપ જોટાંગિયાનો બાળકો સાથેનો શંકાસ્પદ વીડિયો વાયરલ, ડિગ્રી વગર સારવારના નામે ગંભીર કૃત્ય