પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુર હાઈવે પર એક પેટ્રોલ પંપ પર ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. રસ્તા પર ગાડી ધીમી ચલાવવા જેવી અત્યંત નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

રાધનપુર-સાંતલપુર હાઈવે પર હિંસક ઘટના 

મળતી માહિતી મુજબ, સમીના રહેવાસી મોહમ્મદ બિલાલ જ્યારે રાધનપુર-સાંતલપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગાડી ધીમી ચલાવવા બાબતે અન્ય એક કારમાં સવાર શખ્સો સાથે તેમની તકરાર થઈ હતી. આ તકરાર બાદ સફેદ રંગની અર્ટિગા ગાડીમાં આવેલા ચાર શખ્સોએ પેટ્રોલ પંપ પાસે મોહમ્મદ બિલાલને આંતરી લીધા હતા.

CCTVમાં કેદ થયો હુમલો

હુમલાખોરોએ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી ધોકા અને લાકડીઓ વડે યુવક પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં મોહમ્મદ બિલાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલાખોરો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી

આ મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મજીદ સૈયદ, ઉમર સૈયદ અને સોહેબ સૈયદ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો:Rajkot: GST બોગસ બિલિંગના મહાકૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો: બે વર્ષની ફરારી બાદ ભાવનગરનો 'લાલો' પકડાયો