પાટણ તાલુકાના અને બાલીસણા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા હાજીપુર ગામે રાત્રિના સમયે પટણી સમાજના એક યુવકના લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડા દરમિયાન માથાકુટ થતાં એક શખ્સે વરરાજાને ઘોડી પરથી નીચે પાડી માર માર્યો હોવાનો અને વચ્ચે છોડાવવા આવેલા વરરાજાની માતા તથા કાકા કાકીને પણ ઝાપટો મારી હોવાના આક્ષેપ સાથે પાંચ શખ્સો વિરૂદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાજીપુર ગામના કૌશિક પટણીએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના લગ્ન પ્રસંગે વરઘોડાનું આયોજન કરાતા રાત્રિના સમયે વરઘોડો ગામમાં ઠાકોર સમાજના મહોલ્લામાંથી પસાર થતી વેળાએ રામુજી ચેનાજી ઠાકોરે ત્યાં આવીને વરરાજાનો શુટ પકડીને ઘોડા પરથી નીચે પાડીને શુટ ફાડી નાખ્યો હતો. તેમજ સંજયજી ઠાકોરે અને મેહુલજી ઠાકોરે વરરાજાના કાકાનો શર્ટ ફાડી ઝપાઝપી કરી હતી તેમજ રામુજી ઠાકોરે કપાળ પર ફેંટો મારી ગડદા પાટુનો માર મારતાં કાકી વચ્ચે છોડાવવા આવતા તેમને પણ માર્યો હતો ત્યારબાદ રાહુલજી માનસંગજી ઠાકોર અને કૌશિકજી પકાજી ઠાકોરે આવીને વરરાજા સાથે ઝપાઝપી કરી જાતિ વિષયક અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો તે દરમિયાન વરરાજાને ગળામાં પહેરેલ સોનાનો દોરો પડી ગયાના આક્ષેપ સાથે પાંચેય વિરૂદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Patan: વરસાદ ખેંચાતા બીલીયા ગામે બાળકો દ્વારા મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ









