ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ગામના બસ સ્ટેશન પર જ આવેલા એક તળાવમાં બનાસકાંઠાના છાપી ગામનો આશરે 35 વર્ષીય યુવક પરિવાર સાથે દરગાહમાં દર્શનાર્થે આવ્યા બાદ અગમ્ય કારણોસર ડુબી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જેની જાણ થતાં જ ગામલોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા અને 108 ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. જોકે ગામના તરવૈયાઓએ યુવકને તળાવમાંથી બહાર કાઢતા તેનું કમનસીબે મૃત્યુ થતાં સાથે આવેલ ભાઈ સહિત માતાએ કરૂંણ આક્રંદ કરી મુકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો.
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના છાપી ગામનો આશરે 35 વર્ષીય સંજય જયંતિભાઈ માજીરાણા નામનો યુવક તેની માતા અને ભાઈ સાથે રણાસણ ગામે આવેલ દરગાહમાં દર્શનાર્થે આવ્યો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર દરગાહની સામે આવેલા તળાવમાં ડૂબીજતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ પ્રવિણભાઈને જાણ થતાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.










