હારીજ શહેરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શાળામાં રજા હોવાથી એક દસ વર્ષિય બાળક પતંગ ચગાવવા માટે મકાનના ધાબા પર ચડયો હતો જે આકસ્મિક રીતે નિચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોબ હારીજ રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બે દિવસની ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
મળતી માહિતી મુજબ હારીજ શહેરમાં ટેકરા વિસ્તારમાં રહેતો અને ધોરણ ચારમાં અભ્યાસ કરતો નિરજ સંજયભાઈ રાવળ ઉ.વ 10 સ્કુલમાં નાતાલની રજા હોવાથી પતંગ ચગાવવા માટે ધાબા પર ચડયો હતો. જ્યાંથી નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ હારીજ ખાતે લવાયો હતો જ્યાંથી વધુ ઈજાના કારણે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને ભારે રોકકળ મચી જવા પામી હતી.










