વઢિયાર પંથકના શંખેશ્વર વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. માર્ગ અકસ્માતની આવી દુઃખદ ઘટનાઓમાં અનેક પરિવારો પોતાના વહાલસોયાઓ ગુમાવી રહ્યા છે. ત્યારે શંખેશ્વર-પાનવા વચ્ચે ફરી એકવાર અલ્ટો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 6 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બજાણા ગામના મોસીનભાઈ પરીવાર સાથે તેમના સાસે જારૂસાગામે બાઈક લઈને નીકળ્યા હતા તેવામાં શંખેશ્વર-પાનવા રોડ પર અલ્ટો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આથી ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓ દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે બજાણા ગામના બાઈકસવાર એક જ પરિવારનાં ચાર સભ્યો પૈકી 6 વર્ષીય બાળકીને મૃત જાહેર કરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત પતિ-પત્ની અને તેમના 5 વર્ષના બાળકને વધુ સારવાર માટે બે અલગ-અલગ 108 એમ્બ્યુલન્સ મારફ્તે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતની જાણ થતાં શંખેશ્વરના સેવાભાવી લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોના પરિવારજનોનો સંપર્ક કરી તેમને ધારપુર ખસેડવા સહિતની વ્યવસ્થા કરવામાં સહયોગ આપ્યો હતો. આ અકસ્માતમાં માસૂમ બાળકીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવાર પરઆવી પડેલી આ આફ્તથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
