પાટણની ઐતિહાસિક રાણકી વાવ સહિત વિવિધ સ્થળોએ દીપ પ્રગટાવી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો.

પાટણ સહિત જિલ્લાભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી એક માસ સુધી યોજાનારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં આશિર્વાદનો દીવો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં અંદાજે 5.64 લાખ સ્થળોએ દિપ પ્રજ્વલિત કરી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આશિર્વાદનો દીવો અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત વિવિધ જાહેર સ્થળોએ દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આશિર્વાદનો દીવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સહિતના મહાનુભાવોએ દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. રાણકી વાવમાં પ્રજ્વલિત થયેલા અસંખ્ય દિવડાઓથી સમગ્ર સ્થળ દિપમય બની જવા પામ્યું હતું. બીજી તરફ્ શહેરના પ્રાચીન અને નગરદેવી ભદ્રકાળી માતાજીના પાંચ હજાર દિવડા પ્રજ્વલિત કરી ભવ્ય દિપોત્સવ યોજાયો હતો. દિવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયી સહિતના કર્મચારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.