પાટણ જિલ્લા ગ્રામ્યમાં તહેવારોના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શંખેશ્વર પોલીસને રવિવારે પરોઢે જેસડા હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફ્ળતા મળી હતી. પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી લક્ઝરી બસ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે બસમાં સવાર અન્ય એક શખ્સ શંખેશ્વર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફ્ળ રહ્યો હતો.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ, શંખેશ્વર પીઆઈ સહિતના સ્ટાફની ટીમ રવિવારે રાત્રિ તેમજ પરોઢના સુમારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સમી તરફ્થી આવતી લકઝરી બસ નંબર AR.01.V 0606ને જેસડા - શંખેશ્વર વચ્ચે અટકાવી પોલીસે ચાલકની પુછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન લકઝરી બસના ચાલક દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં પોલીસને શંકા જતાં બસમાં તપાસ દરમિયાન શરાબનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. આથી બસને પોલીસ સ્ટેશને લાવી તેમાં તપાસ કરવાથી અલગ-અલગ ચોર ખાનાં બનાવેલાં હોવાનું સામે આવ્યું હતું. તેમજ બસની સાઇડમાં પણ આવાં ચોરખાનાં બનાવી વેલ્ડિંગ કરીને કલર કરી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે વેલ્ડરને સ્થળ ઉપર બોલાવી વેલ્ડિંગ તોડીને ચોરખાનાં ખોલાવ્યાં હતાં. અને તેમાંથી પણ વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુરથી વાયા માળીયા થઈ કચ્છ તરફ્ લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. શંખેશ્વર પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિદેશી દારૂની પેટી 85 બિયરની પેટી 212 મળી કુલ 6,061 નંગ દારૂ-બિયરની ટીન અને બોટલો કબજે કરવામાં આવ્યાં હતાં. જેની અંદાજિત કિંમત રૂ. 12,12,300 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લક્ઝરી બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 22,17,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
